આપણુ ગુજરાત ટોપ ન્યૂઝ

લઠ્ઠાકાંડ: પિતા એક પુત્રના અગ્નિસંસ્કાર કરીને આવ્યા ત્યાં બીજાનો મૃતદેહ આવ્યો

બોટાદ : જિલ્લાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડની ઘટનાને પગલે સમગ્ર ગુજરાત ફરી એકવાર દિગમુઢ બની ચુક્યું છે. કથિત દારૂબંધીવાળા રાજ્યમાં ઝેરી દારૂ પીવાના કારણે જ 36 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે આ ઘટનામાં પણ હૈયુવલોવી નાખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. એક જ પરિવારનાં બે સગાભાઇઓનાં મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. એક બાપે 12 કલાક જેટલા ટુંકા સમયમાં 2 દિકરાઓ ગુમાવ્યા છે.

25 વર્ષીય ભાવેશભાઇએ દારૂ પીધા બાદ ઘરે આવીને ઉંઘી ગયા હતા ત્યારે અચાનક જ તેમના મોઢામાંથી ફીણ નિકળવા લાગ્યા હતા. ખેંચ આવી હોય તેવું લાગતા તેમને 108 ની મદદથી હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે સારવાર મળે તે પહેલા જ તેમણે શ્વાસ છોડી દીધા હતા. જેથી ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું. પુત્રનો અંતિમ સંસ્કાર પતાવીને પિતા હજી ઘરે પણ નહોતા પહોંચ્યા ત્યાં તેમના બીજા પુત્રનું પણ દારૂના જ કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યાંનો ફોન આવતા પરિવાર માટે ધરતી રસાતાળ ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

પરિવાર જ્યારે અંતિમ સંસ્કારની વિધિ કરીને પરત ફર્યો ત્યારે મોટો ભાઇ કિશન ચાવડા પણ બેભાન અવસ્થામાં પડ્યો હતો. તેને જોઇને પરિવારે તત્કાલ તેને 108ની મદદથી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે તેનું પણ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઇ છે. પરિવારે કલાકોમાં જ બે કાંધોતર ગુમાવ્યા છે. વૃદ્ધ પિતાએ બે કમાઉ દિકરા ગુમાવતા હવે પરિવારનું ગુજરાન કઇ રીતે ચલાવવું તે સવાલ થઇ રહ્યો છે.

Leave feedback about this

  • Rating