ટોપ ન્યૂઝ રાજનીતિ

કોંગ્રેસના સાંસદની જીભ લપસી, દ્રોપદી મુર્મૂને ‘રાષ્ટ્રપત્ની’ બોલી દેતા થયો હોબાળો

કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂને ‘રાષ્ટ્રપત્ની’ બોલી દેતા હોબાળો થયો છે. આ મુદ્દે ભાજપે કોંગ્રેસ અને અધીર રંજન પર જોરદાર નિશાન સાધ્યું છે અને વિરોધ શરૂ કરી દીધો છે. એટલું જ નહીં સ્મૃતિ ઈરાનીએ તો સ્પષ્ટપણે કહી દીધું કે કોંગ્રેસ આદિવાસી અને ગરીબો વિરૂદ્ધની સરકાર છે. તેમણે આ મુદ્દે સોનિયા ગાંધીને માફી માગવાનું જણાવ્યું છે.

હું બંગાળી હોવાથી હિંદી બરાબર નથી બોલી શકતો- અધીર રંજન
આ વિવાદ અંગે અધીર રંજન ચૌધરીએ ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે મેં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી માફી માગવા માટે સમય માગ્યો હતો. પરંતુ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ સોનિયા ગાંધી પર કેમ નિશાન સાધી રહ્યા છે એ સમજમાં આવી રહ્યું નથી. હું સ્વીકારું છું કે મારા જીભ લપસી ગઈ અને ભૂલ થઈ ગઈ છે, હું બંગાળી હોવાથી સારી રીતે હિંદી બોલી શકતો નથી. મને સંસદમાં બોલવાની તક આપો હું માફી માગીશ.

BJPએ અધીર રંજનને આડે હાથ લીધા
સ્મૃતિ ઈરાનીએ સંસદમાં ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે કોંગ્રેસ આદિવાસી, ગરીબ અને મહિલા વિરોધી છે. કોંગ્રેસે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં દેશના સર્વોચ્ચ પદ પર રહેલા એક આદિવાસી અને ગરીબ પરિવારની મહિલાનું અપમાન કર્યું છે અને તેમની છબીને હાની પહોંચાડવાનું કાર્ય કર્યું છે.

Leave feedback about this

  • Rating