આપણુ ગુજરાત રાજનીતિ

‘ડરનો માહોલ ખતમ કરીશું, ભ્રષ્ટાચારમાંથી મુક્તિ આપીશું’; રાજકોટમાં કેજરીવાલે વેપારીઓને આપી આ 5 ગેરંટી

રાજકોટ: ગુજરાતમાં આ વર્ષમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓ કરી રહી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વેપારીઓને સંબોધન કર્યું હતું. આ સાથે જ તેમણે વેપારીઓની મુશ્કેલીઓ સાંભળી ગુજરાતમાં AAPની સરકાર બનશે તો તેને દૂર કરવાનું કહ્યું હતું.

અરવિંદ કેજરીવાલે રાજકોટમાં વેપારીઓને પાંચ ગેરંટી આપી હતી. જેમાં તેમણે રાજ્યમાં ભયનું વાતાવરણ દૂર કરવા તથા GSTના ગુંચવણ ભર્યા કાયદામાં સુધારો કરવા અંગે કહ્યું હતું. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં અત્યારે 300 જેટલી સેવાઓ ઘરબેઠા મળી રહે છે તેનો ઉલ્લેખ કરીને ગુજરાતમાં પણ આ સિસ્ટમ અમલી કરવાનું કહ્યું હતું.

અરવિંદ કેજરીવાલની વેપારીઓને પાંચ ગેરંટી

  1. ડરનો માહોલ ખતમ કરીશું.
  2. વેપારીઓને માન-સન્માન આપીશું
  3. ભ્રષ્ટાચારમાંથી મુક્તિ આપીશું
  4. 6 મહિનાની અંદર VATનું રિફંડ આપીશું અને GSTને સરળ બનાવીશું.
  5. દરેક ક્ષેત્રના વેપારીઓને પ્રતિનિધિત્વ આપી સરકારના ભાગીદાર બનાવીશું.

નોંધનીય છે કે, અરવિંદ કેજરીવાલ બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસ પર છે. તેમણે આજે સવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે જ્યોર્તિલિંગના દર્શન-અભિષેક કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી સૌને સમૃદ્ધિ અને સુખ-શાંતિ અર્પે તેમજ જનસેવાના કાર્યો કરવાની શક્તિ અર્પિત કરતા રહે એવી પ્રાર્થના કરી હતી.

Leave feedback about this

  • Rating