આપણુ ગુજરાત રાજનીતિ

2017 બાદ ગુજરાતમાં દર વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જાણો શું આવ્યા પરિણામ

પ્રતીકાત્મક ફોટો

રાજકારણમાં સતત સમીકરણો બદલાતા રહે છે અને આજ સમીકરણોથી સત્તા પરિવર્તનો થતા રહે છે. આવા જ સમીકરણો વર્ષ 2017ની ચૂંટણી પહેલા ઘડાયા હતા. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીના અલગ અલગ આંદોલન અને સક્રિયતાને કારણે ભાજપ માટે કપરા ચડાણ હતા. ભાજપને છતાં દક્ષિણ ગુજરાતના પરિણામે ભાજપનો રસ્તો સરળ કરી દીધો હતો. ગુજરાતમાં ભાજપને 99 સીટ મળી હતી. કોંગ્રેસને 77 સીટ મળી હતી અપક્ષને 1, બીટીપી ને 2, એનસીપીને 1 તથા આમઆદમી પાર્ટી ખાતું ખોલવામાં પણ સફળ રહ્યું ન હતું. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પછી લઘભગ દર વર્ષે ચૂંટણી યોજાઈ હતી.

વર્ષ 2018 

વર્ષ 2018માં જસદણ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ રાજીનામુ આપી દીધું અને ભાજપમાં જોડાયા હતા અને જસદણ બેઠક પરથી પેટાચૂંટણીમાં કુંવરજી બાવળીયાને ભાજપે મેદાને ઉતાર્યા અને કુંવરજી બાવળીયાએ વિજય પ્રાપ્ત કરતા વિજય રૂપાણીની સરકારમાં મંત્રીપદ મેળવ્યું

વર્ષ 2019

વર્ષ 2019 પણ કોંગ્રસ માટે ખુબ જ ખરાબ રહ્યું કોંગ્રેસના ઊંઝા બેઠકના ધારાસભ્ય આશા બેન પટેલ, ધ્રાંગધ્રા બેઠકના ધારાસભ્ય પુરુસોત્તમ સબરીયા, જામનગર બેઠકના ધારાસભ્ય વલ્લભ ઘાવરીયા, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામુ આપી દીધું અને ભાજપમાં જોડાયા. ભાજપે ફરી આ ઉમેદવારોને મેદાને ઉતાર્યા અને વિજયી બન્યા. જયારે રાધનપૂર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપી દીધું હતું પરંતુ પેટા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. બાયડ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું અને ભાજપમાં જોડાયા. ધવલસિંહને ભાજપે મેદાને ઉતાર્યા પરંતુ તેમને જનતાએ સ્વીકાર ન કર્યો અને હારનો સામનો કરવો પડ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં 4 ધારાસભ્યોનો વિજય

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં થરાદ બેઠકના ધારાસભ્ય પરબત પટેલ લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા અને આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો વિજય થતા ભાજપની આ બેઠક કોંગ્રેસે છીનવી. લુણાવાડ બેઠકના અપક્ષ ચૂંટાઈ આવેલા ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ભાજપે લોકસભાની ટિકિટ આપી હતી અને પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીગ્નેશ પટેલનો વિજય થયો હતો. ખેરાલુ બેઠકના ભાજપના ધારાસભ્ય ભરતસિંહ ડાભી લોકસભાની ચૂંટણી જીત્યા અને પેટા ચૂંટણીમાં ભાજપના જ ઉમેદવાર અજમલજી ઠાકોર વિજયી થયા જ્યારે અમરાઈવડી બેઠકના ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલ લોકસભાની ચૂંટણી જીત્યા અને પેટ ચૂંટણીમાં ભાજપના જ ઉમેદવાર જગદીશ પટેલ જીત્યા.

 

વર્ષ 2020

કોંગ્રેસ માટે આ વર્ષ પણ ખરાબ નીવડ્યું. એક સાથે 8 ધારાસભ્યોએ રાજીનામુ ધરી દીધું જેમાં કપરાડા બેઠકના જીતુભાઇ ચૌધરી, ધારી બેઠકના જે.વી. કાકડિયા, કરજણ બેઠકના અક્ષય પટેલ, ગઢડા બેઠકના પ્રવીણ મારુ, ડાંગ બેઠકના મંગળ ગામીત, મોરબી બેઠકના બ્રિજેશ મેરજ, અબડાસા બેઠકના પ્રદ્યુમ્નસિંહ જાડેજા તથા લીંબડી બેઠક પરથી સોમા ગાંડા પટેલે રાજીનામુ આપી દીધું અને આ તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્યા.

સોમા પટેલને સ્થાને કિરીટસિંહ રાણા અને ગઢડા બેઠક પર પ્રવીણ મારુની જગ્યાએ ભાજપે આત્મારામ પરમારને ટિકિટ આપી અને વિજેતા થયા જયારે અબડાસા, મોરબી, ધારી, કરજણ, ડાંગ અને કપરાડા બેઠા પરથી કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારને રિપીટ કર્યા અને તે ચૂંટાઈ આવ્યા.

 

વર્ષ 2021

પંચમહાલના મોરવા-હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું સભ્યપદ કેન્સલ કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્ર સિંહ ખાંટ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય હતા. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાતિના પ્રમાણપત્રના આધારે કોર્ટના ચુકાદા બદા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મોરવા-હડફ બેઠક જનજાતિ માટે અનામત છે. તેમણે જે પ્રમાણપત્ર રજૂ કર્યું હતું તે ખોટું હતું. તેથી તેને લઈને અધ્યક્ષે આ કાર્યવાહી કરી છે. ભૂપેન્દ્રસિંહ ખાંટ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી અપક્ષ ચૂંટાયા હતા. ખોટા પ્રમાણપત્રનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો. જોકે, તે બાદ ભૂપેન્દ્ર ખાંટનું નિધન થયુ હતું. ભૂપેન્દ્ર ખાંટનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી.

આ ખાલી પડેલી બેઠકમાં 17 એપ્રિલ 2021ના રોજ મતદાન થયું હતું. જેમાં ભાજપે મનીષાબેન સુથારને મેદાને ઉતાર્યા હતા. જયારે કોંગ્રેસે સુરેશ કટારાને મેદાને ઉતાર્યા. ભાજપના ઉમેદવાર મનીષાબેન સુથારે બાજી મારી હતી.

વર્ષ 2022
ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અશ્વિન કોટવાલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. આ વર્ષના અંતમાં વિધાનસભાની તમામ બેઠકો પર ચૂંટણી થશે

14મી વિધાનસભાની હાલની પરિસ્થિતિ:

સૌરાષ્ટ્ર કચ્છ ઝોન

આ ઝોનમાં કુલ 12 જિલ્લાઓ આવેલા છે જેમાં 54 વિધાનસભાની સીટ આવેલ છે જેમાં ભાજપને 31 કોંગ્રેસને 21 એનસીપી પાસે 1 બેઠક છેતથા પાબુભા માણેક દ્વારકા બેઠક પરથી ગેરલાયક ઠર્યા હતા અને અપીલ કરતા હજુ બેઠક ખાલી છે

ઉત્તર ગુજરાત
આ ઝોનમાં કુલ 5 જિલ્લાઓ આવેલા છે જેમાં વિધાનસભાની 27 સીટ આવેલ છે.  ભાજપ પાસે 11 કોંગ્રેસ પાસે 12 અપક્ષ પાસે 1 બેઠક છે જયારે 3 બેઠક ખાલી છે જેમાં ઊંઝા બેઠકના ધારાસભ્ય આશાબેન પટેલ અને ભિલોડા બેઠકના ધારાસભ્ય અનિલ જોષીયારાનુ અવસાન થયું છે જયારે ખેડાબ્રમ્હા બેઠકના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું ત્યારે ખેડાબ્રમ્હા બેઠક પણ ખાલી છે.

મધ્યગુજરાત

આ ઝોનમાં કુલ 9 જિલ્લાઓ આવે છે અને 66 બેઠકો આવેલી છે જેમાં 42 બેઠકો પર ભાજપ સત્તામાં છે અને 24 બેઠકો કોંગ્રેસના ફાળે છે.

દક્ષિણ ગુજરાત

આ ઝોનમાં કુલ 7 જિલ્લાની 35 બેઠકો છે અને દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો જોવા મળે છે. ભાજપ પાસે 27 બેઠકો છે કોંગ્રેસ પાસે 6 બેઠકો અને બીટીપી પાસે 2 બેઠકો છે.

Leave feedback about this

  • Rating