આપણુ ગુજરાત

દારૂ-ડ્રગ્સ નહી હવે પશુ સાથે હશો તો પણ પોલીસ પકડી જશે

ગાંધીનગર : પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ ફેલાતો અટકે અને અન્ય રાજ્યના પશુઓ પણ આ રોગની ઝપટે ન ચડે તે માટે હવે પશુઓની એક જિલ્લાથી બીજા જિલ્લામાં હેરાફેરી નહી કરી શકાય. રાજ્ય સરકાર દ્વારા લમ્પી સ્કીન ડીસીઝને અટકાવવા માટે નિયંત્રણમાં લેવા માટે રાજ્યના ૧૪ જિલ્લાઓને “નિયંત્રિત વિસ્તાર” તરીકે જાહેર કર્યા છે. જિલ્લા સ્તરે સંકલન અને મોનિટરીંગ માટે ટીમ બનાવવામાં આવી છે.

14 જિલ્લાના પશુઓ પર બારીક નજર રખાશે
રાજ્ય સરકાર દ્વારા લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાને “નિયંત્રિત વિસ્તાર” તરીકે જાહેર કરાયો છે. પશુઓને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવી છે. નિયંત્રિત વિસ્તારવાળા જિલ્લાઓની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા નહી કરી શકાય. જેનું ધ્યાન રાખવા માટે જિલ્લા સ્તરે મોનિટરિંગ સમિતી પણ બનાવવામાં આવી છે.

સમિતીમાં ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરાશે
આ સમિતિમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સ્થાનિક મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા પોલીસ વડા, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા પશુપાલન અધિકારી/પશુપાલન ખાતાના નાયબ નિયામક, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરીયા અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રાદેશિક પરિવહન અધિકારીનો સમાવેશ કરવામાં આવશે.

અધિકારીની આવી હશે જવાબદારી
આ સમિતિ જિલ્લામાં લમ્પી સ્ક્રીન ડીસીઝના નિયંત્રણ, બચાવ તેમજ સારવાર સબંધિત તમામ કામગીરીનું સંકલન તેમજ મોનીટરીંગ કરશે. આ રોગથી અસરગ્રસ્ત પશુઓની સારવાર, આઇસોલેશન, વેક્સીનેશન તેમજ આનુષંગિક તમામ કામગીરી સુનિશ્ચિત કરશે. અસરગ્રસ્ત પશુઓની અવરજવર નિયંત્રિત કરવાની તેમજ પશુઓના રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવ, રખડતા (બિનવારસી) અસરગ્રસ્ત પશુઓની દેખરેખ સહિતની કામગીરી સુનિશ્ચિત કરીને લમ્પી સ્કીન ડીસીઝના સબંધમાં સર્વેલન્સની કામગીરી કરશે.

Leave feedback about this

  • Rating