રાજનીતિ

દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ફરી વિવાદિત બોલ, કામચોર અને કટકીબાજ અધિકારીઓને 14મું રતન બતાવવાની ચીમકી આપી

વડોદરા જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાના બેબાક બોલ માટે જાણીતા છે અને કોઈને કોઈ નિવેદનને લઈને તેઓ વિવાદમાં રહેતા હોય છે. ત્યારે ફરી એક વાર તેઓ ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં MGVCL દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં મધુ શ્રીવાસ્તવે વધુ એક વિવાદિત નિવેદન આપતા કામ ન કરતા અધિકારીઓને 14મું રતન બતાવવાની ધમકી આપી છે.

ડભોઈમાં યોજાયેલા MGVCLના વીજ મહોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું, અધિકારીઓ જે લોકો કામ નથી કરતા જાડી ચામડીના અધિકારીઓ છે એને તો જિંદગી ભર ના છોડું ચોક્કસ છે. કામ કરનારા હોય ખરેખર જીવ જોખમમાં મૂકી વીજળીનું કામ કરે છે, વરસાદમાં કર્મચારીઓ અડધી રાતે દોડીને લાઈટ ચાલું કરતા હોય તેમને ધન્યવાદ છે. જાડી ચામડીના અધિકારીઓ અને કરપ્શન કરતા હોય અને ટકાવારી ખાતા હોય તેમને તો 14મું રતન બતાવવાનું, બતાવવાનું અને બતાવવાનું એમાં કોઈ સવાલ નથી આવતો.

મહત્ત્વનું છે કે વાણી-વર્તનને કારણે હંમેશા ચર્ચામાં રહેતા મધુ શ્રીવાસ્તવે આ વખતે કટકીબાજ અધિકારીઓને ચૌદમું રતન બતાવવાની ધમકી આપી અને તેની સાથે જ બરોડા ડેરીના વિવાદ મામલે પણ તેમણે નિવેદન આપી હલ્લાબૉલની ચીમકી ઉચ્ચારતા માહોલ ગરમાઈ ગયો છે.

Leave feedback about this

  • Rating