ટોપ ન્યૂઝ

મિગ -21ના છેલ્લા 62 વર્ષમાં 200 જેટલા અકસ્માત થયા, વાયુસેનામાં 1960ના દાયકાથી છે સામેલ

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ગુરુવારે રાત્રે મિગ-21 ક્રેશ થતાં એરફોર્સનું પ્લેન ફરી ચર્ચામાં આવ્યું છે. આ દુર્ઘટનાએ સોવિયત મૂળના મિગ-21 વિમાન પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. આ વિમાનોને 1960ના દાયકાની શરૂઆતમાં ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા અને 62 વર્ષમાં અત્યાર સુધીમાં આ વિમાનો સાથે લગભગ 200 જેટલા અકસ્માતો થઇ ચુક્યા છે.

મિગ-21 લાંબા સમયથી ભારતીય વાયુસેનાનો મુખ્ય આધાર હતો. જોકે, એરક્રાફ્ટનો સેફ્ટી રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે. મિગ-21 વિમાન દુર્ઘટનાઓમાં પણ અનેક લોકોના જીવ ગયા છે. આ વર્ષે માર્ચમાં, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં, ત્રણેય સેવાઓના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સાથે સંકળાયેલા અકસ્માતોમાં 42 સંરક્ષણ કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 45 હવાઈ દુર્ઘટના થઈ છે.

ભારતમાં એક સમયે ફાઈટર જેટ મિગ-21 એરક્રાફ્ટને ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ માનવામાં આવતી હતી. પરંતુ હવે આ વિમાનો ન તો યુદ્ધ માટે યોગ્ય છે કે ન તો ઉડાન માટે. જો કે, બાલાકોટ એરસ્ટ્રાઈક પછી, તે મિગ-21 બાઇસન એરક્રાફ્ટ હતું જેણે પાકિસ્તાની ફાઇટર જેટ્સને દિવસ્ર તારા બતાવ્યા હતા. ભારતીય એરફોર્સ વર્ષ 1960થી મિગ-21 એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહી છે.

ગુરુવારે મિગ -21 ક્રેશ થયું

રાજસ્થાનના બાડમેર પાસે ગુરુવારે રાત્રે એક મિગ-21 વિમાન ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેના (IAF)ના બે પાયલોટના મોત થયા છે. IAFએ કહ્યું કે બે સીટર મિગ-21 ટ્રેનર એરક્રાફ્ટ ઉતરલાઈ એરપોર્ટ પરથી ટેકઓફ કરી રહ્યું હતું. આ અકસ્માત રાત્રે 9.10 વાગ્યાની આસપાસ થયો હતો.

Leave feedback about this

  • Rating