ટોપ ન્યૂઝ રાજનીતિ

મહેસાણામાં ED સામે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન, પોલીસે ટીંગા ટોળી કરીને કાર્યકરોને ગાડીમાં બેસાડી દીધા

નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ સોનિયા ગાંધીને પાઠવેલા સમન્સના વિરોધમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણા કાર્યક્રમમાં ભાજપ વિરોધી સૂત્રોચાર કરતા કોંગી આગેવાનોને પોલીસે બળપ્રયોગથી ટીંગા ટોળી કરીને પોલીસ વાનમાં બેસાડતા કોંગીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ED દ્વારા દ્વારા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવાના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે મહેસાણાના મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરની સામે ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ શરૂ થયાના દસ જ મિનિટમાં આવી પહોંચેલી શહેર એ ડિવિઝન પોલીસે તમામ કોંગી આગેવાનોને પરવાનગી લીધી ન હોવાના મુદ્દે ધરણા પરથી ઉઠી જવા સૂચના આપી હતી. જોકે કોંગી આગેવાનોએ ભાજપ વિરોધી સૂત્રોચાર ચાલુ રાખતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો.

પોલીસે બળપ્રયોગ કરીને કોંગી આગેવાનોને ટીંગાટોળી કરતા એક સમયે પોલીસ અને આગેવાનો વચ્ચે ‘તું…તું, મે…મે’ થઈ હતી. પોલીસે 20 થી વધુ કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી પોલીસ વનમાં બેસાડી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. બીજી બાજુ પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચેના ઘર્ષણને કારણે ટ્રાફિક જામનો માહોલ ઊભો થયો હતો.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર અને અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે, કોઈપણ પુરાવા કે હકીકતોના આધાર વિના EDનો રાજકીય કિન્નાખોરી માટે દુરુપયોગ કરવામાં આવ્યો છે. કોઈપણ વિરોધ પ્રદર્શન કરવા બેસીએ ત્યારે પોલીસ દ્વારા પરવાનગી નહીં આપવાનો તેમજ બળ પ્રયોગ કરવાનો નિર્ણય અયોગ્ય છે અને અમે તેનો વિરોધ કરીએ છીએ.

Leave feedback about this

  • Rating