ટોપ ન્યૂઝ રાજનીતિ

સિંગાપુરે શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાજપક્ષેને નવા વિઝા આપ્યા, રહેવાની મુદત 14 દિવસ સુધી વધારી

ગોટબાયા રાજપક્ષે પોતાના દેશ શ્રીલંકાની અર્થવ્યવસ્થાને જાળવી રાખવામાં અસમર્થ રહેતા સ્થાનિકો રોષે ભરાયા હતા. શ્રીલંકાના કોલંબોમાં થયેલા વિરોધ પ્રદર્શન વચ્ચે રાજપક્ષે 13 જુલાઈએ દેશ છોડી માલદીવ નાસી ગયા હતા. ત્યાં થોડા દિવસો વિતાવ્યા પછી હવે સિંગાપુર પહોંચી ગયા છે. સિંગાપુર સરકારે તેમના પ્રવાસ માટે નવા વિઝા જાહેરા કર્યા છે, જેમાં તેમના રોકાણની મુદત 14 દિવસ સુધી વધારી દેવામાં આવી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ છુપાયેલા નથી- ગુણવર્દને
બુધવારે સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજપક્ષેને 11 ઓગસ્ટ સુધી સિંગાપુર સરકારે ત્યાં રહેવાના વિઝા આપી દીધા છે. ‘ધ સ્ટ્રેટ્સ ટાઈમ્સ’ના એક રિપોર્ટ પ્રમાણે રાજપક્ષેને નવા વિઝા અપાયા છે. અગાઉ મંગળવારે શ્રીલંકાની નવી રચાયેલી રાનિલ વિક્રમસિંઘ સરકારના પ્રવક્તા ગુણવર્દનેએ કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ છુપાયેલા નથી. તે ટૂંક સમયમાં સિંગાપોરથી પરત ફરે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે તેઓ માનતા નથી કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા છે અને છુપાયેલા છે. જોકે, તેમણે રાજપક્ષેની સંભવિત વાપસી વિશે અન્ય કોઈ માહિતી આપી નહોતી. ગુણવર્દને ટ્રાન્સપોર્ટ અને હાઈવે અને માસ મીડિયા મંત્રી પણ છે.

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ કરવાનો મુદ્દો ગરમાયો
શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની અટકાયત કરવા માટે સિંગાપોરના એટર્ની જનરલને કરવામાં આવેલી વિનંતી પર ટિપ્પણી કરતા કેબિનેટ પ્રવક્તાએ કહ્યું કે જો એવી કોઈ સ્થિતિ ઉભી થશે તો દેશમાં જવાબદાર અધિકારીએ એ સુનિશ્ચિત કરશે કે પૂર્વ રાષ્ટ્રપતિને કોઈ નુકસાન ન થાય. આની સાથે જ દક્ષિણ આફ્રિકાના એક સત્તાવાર જૂથે સિંગાપુરના એટર્નીને એક ફોજદારી ફરિયાદ સબમિત કરી છે. જેમાં તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ રાજપક્ષે સામે કથિત યૂદ્ધ અપરાધોનો આક્ષેપ લગાવ્યો છે અને તેમની ધરપકડ કરવાની માગ કરી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ઈન્ટરનેશનલ ટ્રુથ એન્ડ જસ્ટિસ પ્રોજેક્ટના વકીલોએ આ ફરિયાદ દાખલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આર્થિક સંકટોનો સામનો કરી રહેલા શ્રીલંકામાં તેમના વિરૂદ્ધ મહિનાઓ સુધી ચાલેલા સાર્વજનિક વિરોધ પ્રદર્શનો પછી લોકોએ 9 જુલાઈએ રાષ્ટ્રપતિ ભવન કબજે કરી લીધો હતો. એટલું જ નહીં દેખાવકારોએ પી.એમ.આવાસ સહિત અન્ય ઘણા સરકારી કાર્યાલયો પર પોતાનો કબજો કરી લીધો હતો. ત્યારપછી રાજપક્ષે શ્રીલંકા છોડી 13 જુલાઈએ માલદીવ નાસી ગાય અને બાદમાં સિંગાપુર રવાના થઈ ગયા હતા.

Leave feedback about this

  • Rating