આપણુ ગુજરાત રાજનીતિ

સુરતમાં ભાજપના નેતાઓની દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ, નેતાએ નફ્ફટાઇથી સ્વીકાર્યું પણ ખરું – વીડિયોમાં હું જ છું

રાજ્યમાં હાલ બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડના દેશભરમાં પડઘા પડ્યા છે. આ સાથે જ ફરી એકવાર ગુજરાતમાં દારુબંધી માત્ર નામની હોવાનો મુદ્દો ઉઠ્યો છે. ત્યારે સુરતમાં ભાજપના આગેવાનોનો દારૂની મહેફિલ માણતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સુરતના વોર્ડ નં.16ના પુણાના ભાજપના પ્રમુખ જયસુખ ઠુમ્મર તથા ભાજપ બક્ષીપંચ મોર્ચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા દેખાઈ રહ્યા છે.

શું છે વાઈરલ વીડિયોમાં?
હાલમાં વાઈરલ થયેલા વીડિયોમાં વોર્ડ નં.16 પુણાના ભાજપ વોર્ડ પ્રમુખ જયસુખભાઈ ઠુમ્મર તથા વોર્ડ નં.16ના જ ભાજપ બક્ષીપંચ મોર્ચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા દારૂની મહેફિલ માણતા દેખાઈ રહ્યા છે. તેમની સાથે અન્ય કેટલાક શખ્સોનો પણ અવાજ વીડિયોમાં સંભળાઈ રહ્યો છે તથા બેકગ્રાઉન્ડમાં કેટલીક બોલિવૂડ ફિલ્મોના સોન્ગ વાગી રહ્યા છે.

દારૂની મહેફિલના આ વીડિયો મામલે જયસુખભાઈ ઠુમ્મરને મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેમણે વીડિયો જોઈને કોઈ શરમ કે સંકોચ વિના પોતે જ તેમાં હોવાનું સ્વીકારે છે. જોકે દારૂની આ મહેફિલ ક્યાં ચાલતી હતી તથા તેમાં અન્ય કોણ કોણ લોકો હાજર હતા તે વિશે હાલમાં કોઈ જાણકારી મળી નથી. નોંધનીય છે કે હાલમાં જ છોટા ઉદેપુરમાં ભાજપના જિલ્લા પ્રમુખ રશ્મિકાંત વસાવાનો પણ દારૂના નશામાં હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. જે મામલે ખૂબ વિવાદ થતા તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

Leave feedback about this

  • Rating