ભાવનગર : લઠ્ઠાકાંડ મુદ્દે ભાવનગર સર.ટી હોસ્પિટલ ના સુપ્રીટેન્ડએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, ભાવનગરમાં હાલ કુલ 90 દર્દીઓ લાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 18 દર્દીના મોત થઇ ચુક્યાં છે. 8 દર્દીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ છે. ડાયાલીસીસથી વધુ રિકવરી થાય છે. જેથી સારવારમાં પણ ડાયાલિસિસ દ્વારા જ કરવામાં આવી રહી છે.

તમામ દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવશે.
હાલ 54 દર્દીનું પ્રથમ ડાયાલીસીસ થઇ ચુક્યું છે જ્યારે 10 દર્દનું સેકન્ડ ડાયાલીસીસ કરવામા આવી રહ્યું છે. અમદાવાદથી ટીમ અને 10 ડાયાલિસિસ મશીન સર.ટી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે. 51 દર્દીઓ સારવાર હાલ સારવાર હેઠળ છે. હાલ એક જ દર્દી ક્રિટિકિલ હાલતમાં છે.

હોસ્પિટલમાં સ્ટાફની અછત અંગે મૌન
હોસ્પિટલના તમામ તબીબી, મેડીકલ વિદ્યાર્થીઓ એક ટિમ બની કામ કર્યું છે. ઘણા વોર્ડમાં સ્ટાફ ન હોવા અંગે પૂછવામાં આવતા જરૂરી પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

દારૂના દર્દીની દારૂ પીવડાવીને જ સારવાર
જો કે તેમને પુછવામાં આવતા કે લઠ્ઠાકાંડના દર્દીઓની સારવારમાં પણ આલ્કોહલ જ વપરાય છે જેના જવાબમાં તેમણે કહ્યું કે, જે મિશ્રિત ઇથેનોલ હોય છે તેને શરીરમાંથી દુર કરવા માટે શુદ્ધ ઇથેનોલ આપવામાં આવે છે. તે શરીરમાં જતા તેનાથી ઝેરી દારૂની અસર ઘટી જાય છે. આ પદ્ધતી અગાઉ ઉપયોગમાં હતી. જો કે 2009માં થયેલા લઠ્ઠાકાંડ બાદ ડાયાલિસિસની પદ્ધતી જ સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં હાલ તો કોઇ દર્દીની આ પ્રકારે સારવાર કરાઇ નથી પરંતુ આ પ્રકારે સારવાર થાય છે.