ટોપ ન્યૂઝ

‘આ ગામમાં દારૂ વેચતા કે પીતા પકડાયા તો પોલીસ કેસ કરાશે’, બોટાદ લઠ્ઠાકાંડ બાદ ગુજરાતના ગામનો વીડિયો વાઈરલ

અમદાવાદ: બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડમાં 40થી વધારે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે હજુ પણ કેટલાક અસરગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ છે. આ ઘટનાથી દેશભરમાં ગુજરાતમાં દારુબંધીની પોલ ખૂલી ગઈ છે. આ વચ્ચે હવે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ઢોલ લઈને ગામમાં લોકોને દારૂ ન પીવા માટે કહી રહ્યો છે. આ વીડિયો ગુજરાતના કોઈ ગામનો હોવાનું જણાઈ રહ્યું છે.

શું છે વીડિયોમાં?
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોમાં એક વ્યક્તિ ઢોલ લઈને ગામમાં જાહેરાત કરી રહ્યો છે કે દારૂના વેપારીએ ગામમાં દારૂ વેચવો નહીં અને દારૂના બંધાણી દારૂ પીવો નહીં. કોઈપણ દારૂ વેચનાર કે પીધેલો પકડાશે તો કાયદેસર પોલીસ કેસ કરવામાં આવશે.

હકીકતમાં બોટાદના બરવાળામાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા હતા. જે બાદ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ ભાજપ સરકારને ઘેરી હતી. બીજી તરફ આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી કરી છે. જેમાં બોટાદના એસપી કરણરાજ વાઘેલા તથા અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેન્દ્ર સિંહ યાદવની બદલી કરવામાં આવી છે, જ્યારે બોટાદ ડીવાયએસપી એસ.કે ત્રિવેદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે બરવાળા પીએસઆઇ ભગીરથસિંહ વાળા તથા રાણપુર પીએસઆઇ શૈલેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા.

Leave feedback about this

  • Rating