ટોપ ન્યૂઝ

કથિત દારૂબંધી અને ચમરબંધીઓને નહી છોડાયના દાવા વચ્ચે ત્રણ જિલ્લામાં આખી રાત એમ્બ્યુલન્સ ધમધમતી રહી

બોટાદ : કથિત દારૂબંધી ધરાવતા રાજ્ય ગુજરાતના બોટાદ જિલ્લાના રોજિદ ગામે થયેલા લઠ્ઠાકાંડે ગુજરાતને પાયામાંથી હચમચાવી નાખ્યું છે. સરકારની દારૂબંધીના ધજાગરા થઇ ગયા છે અને સરકાર હવે કોઇ ચમરબંધીને છોડવામાં નહી આવે મોડમાં આવી ચુકી છે. ગઇકાલનો દિવસ બોટાદ ભાવનગર હાઇવે માત્ર એમ્બ્યુલન્સના કાફલાથી જ ધમધમતો રહ્યો. 17 જેટલી એમ્બ્યુલન્સના કાફલામાં 85 જેટલા દર્દીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા સ્તરની હોસ્પિટલ ત્યાંથી ભાવનગર અને ત્યાંથી અમદાવાદના ફેરા જ કરતો રહ્યો. લઠ્ઠાકાંડમાં એટલા કેસ આવ્યા કે જિલ્લામાં રહેતી તમામ એમ્બ્યુલન્સ પણ ખુટી પડતા આખરે બાજુના જિલ્લા ભાવનગરની એમ્બ્યુલન્સ પણ કામે લગાડવાની તંત્રને ફરજ પડી હતી.

108 ઇમરજન્સી રિસપોન્સ સેન્ટર ધંધુકા ખાતે કાલે સાંજે 5 વાગ્યે પહેલો ઇમરજન્સી કોલ આવ્યો કે દારૂ પીધેલા એક દર્દીની હાલત ગંભીર છે અને તેને સિવિલ હોસ્પિટલ અમદાવાદ લઇ જવાના છે. આ પછી તો ફોનની જાણે કે વણઝાર લાગી હતી. કોલના પગલે એમ્બ્યુલન્સોની પણ વણઝાર લાગી અને બોટાદ હાઇવે આખી રાત એમ્બ્યુલન્સની સાયરનોથી જ ગુંજતો રહ્યો. 16 કલાક સુધી સતત 108 દ્વારા ઓપરેશન ચલાવવામાં આવ્યું.

108 એમ્બ્યુલન્સમાં અમદાવાદના ધોલેરાના 7, ધંધુકાના 7, ફેદરાના 7, વટામણમાં 4, બગોદરામાં 4, બાવળાના 1 દર્દી ઉપરાંત ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 5 અને નારીમાં 2 દર્દી, બોટાદના સૌથી વધારે સાળંગપુરમાં 14, બરવાળામાં 12, સમઢિયાળામાં 5, રાણપુરમાં 5, બોટાદમાં 4, ગઢડામાં 4, પાળિયાદમાં 3 અને લખિયાણીના 1 દર્દીને 108 ની મદદથી ખસેડવામાં આવ્યા હતા.

Leave feedback about this

  • Rating