આપણુ ગુજરાત ટોપ ન્યૂઝ

બરવાળા લઠ્ઠાકાંડમાં સામે આવ્યા આ 14 બુટલેગરોના નામ, રૂ.20ની પોટલીમાં ‘ઝેર’ વેચી લીધો 30નો જીવ

બોટાદ: રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા રોજિદ ગામમાં લઠ્ઠાકાંડમાં 30 જેટલા લોકો મોતને ભેટ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અમદાવાદના પીપલજ પાસેથી ફેક્ટરીમાંથી મિથેનોલ સપ્લાય કરવામાં આવતું હતું. જેનો ઉપયોગ દેશી દારૂ બનાવવામાં થતો હતો. જોકે દારૂમાં મિથેનોલ ઉમેરવાના કારણે તે ઝેરી થઈ ગયો હતો. જેથી તેને પીનારા કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે આ દારૂ બનાવનારા તથા વેચનારાની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ સમગ્ર લઠ્ઠાકાંડમાં 14 જેટલા બુટલેગરોના નામ સામે આવી રહ્યા છે.

બરવાળાના લઠ્ઠાકાંડમાં 14 જેટલા બુટલેગરોના નામ સામે આવ્યા છે. જેમણે પોટલીમાં ઝેરી દેશી દારૂ વેચીને 30 જેટલા લોકોના મોત નિપજાવ્યા હતા. જ્યારે હજુ પણ 40થી વધુ દર્દીઓને ગંભીર હાલતમાં અમદાવાદ, બોટાદ તથા ભાવનગરમાં હોસ્પિટલોમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા છે. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે ઘટના અંગે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

આ 14 બુટલેગરોએ લીધો 30 લોકોનો જીવ
– ગજુબેન વડદરિયા, રહેવાસી – રોજીંદ, બરવાળા
– પીન્ટુ દેવીપૂજક, રહે. ચોકડી , બરવાળા
– વિનોદ કુમારખાણીયા, રહે. નભોઈ
– સંજય કુમારખાણીયા, રહે. નભોઈ
– હરેશ આંબલિયા, રહે. ધંધુકા
– જટુભા લાલુભા, રહે. રાણપરી
– વિજય પઢિયાર, રહે. રામપરા
– ભવાન નારાયણ, રહે. વેયા
– સન્ની રતિલાલ, રહે. પોલારપુર
– નસીબ છના, રહે. ચોકડી
-રાજુ, રહે. અમદાવાદ
– અજીત કુમારખાણીયા, રહે. ચોકડી
– ભવાન રામુ, રહે. નભોઈ
– યમન રસીક, રહે. ચોકડી

રોજિંદના સરપંચે ગામમાં દારૂના વધેલા દૂષણ અંગે ત્રીજા મહિનાથી રજૂઆત કરી હતી. આ ઉપરાંત મેં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, છતાં કોઈ પગલાં નહોતા લેવાતાં આ દર્દનાક ઘટના બની છે. આ ઘટનાને પગલે ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે. રાજ્ય સરકાર માત્ર દારૂબંધીની વાતો કરે છે. પરંતુ એનો અમલ કેટલો? રોજ લાખો રૂપિયોનો દારૂ પકડાય છે, છતાં કાયદાઓનો કડકાઈથી અમલ કરવામાં આવતો નથી.

ચોકડી ગામેથી દારૂ બન્યો હતો, વેચાણ થયું હતું
નોંધનીય છે કે, ચોકડી ગામેથી દારૂ બન્યો હતો અને તેનું વેચાણ થયું હતું. જેના પગલે બરવાળા તાલુકાના ચોકડી ગામે પોલીસ સહિતનો મસમોટો કાફલો તપાસ માટે પહોંચ્યો હતો. બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ SOG, DySP, પ્રાંત મામલતદાર, સહિતનો મસમોટો કાફલો તપાસમાં પહોંચ્યો. ચોકડી ગામમાં જઈ કોણ કોણ દારૂ વહેંચવા અને બનાવવાની પ્રવૃત્તિ કરે છે, તેને લઈ માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ચોકડી ગામમાં આગેવાનો અને સ્થાનિકોની તપાસ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે, કોઈએ દારૂ પીધો છે કે કેમ. તેમજ કોઈને અસર જણાય તો સામે આવી સારવાર લે તેવી સ્થાનિકોને જાણ કરવામાં આવી છે.

Leave feedback about this

  • Rating