આપણુ ગુજરાત

દારૂબંધી અને ગુજરાત, આ આંકડાઓ વાંચી ચોંકી જશો

મહાગુજરાત આંદોલન બાદ ગુજરાતની સ્થાપના થઇ અને આ સાથે ગાંધીના ગુજરાતને ડ્રાય સ્ટેટનું એક નામ પણ મળ્યું. ગુજરાતમાં દારૂબંધીની શરૂઆત વર્ષ 1960થી થઇ હતી. 62 વર્ષ થયા દારૂ બંઘીને છતાં લગભગ દરરોજ દારૂ પકડાતો રહે છે. ગુજરાત સિવાય તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, હરિયાણા અને બિહારમાં સમયાંતરે દારૂબંધીના પ્રયાસ થયા છે. ગુજરાત ઉપરાંત માત્ર બિહારમાં જ દારૂબંધીને સફળતા મળી છે.

વર્ષ 1951માં સુપ્રીમ કોર્ટે બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949ની જોગવાઈઓ પર નિર્ણય સંભળાવ્યો હતો. એ સમયે ગુજરાત બોમ્બે સ્ટેટનો હિસ્સો હતું. આ કાયદાની કલમ 12 અને 13 અંતર્ગત દારૂ બનાવવા, વેચવા અને પીવા પર પ્રતિબંધ હતો. ભાષાના આધારે બોમ્બે સ્ટેટ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહેંચાયું. ત્યારે 1960માં ગુજરાતે આ કાયદાને જેમનો તેમ લાગુ કર્યો. અને ત્યારથી ગુજરાતમાં દારૂ બંધી છે.

દેશમાં આટલા ડ્રાય સ્ટેટ
ભારત દેશના ગુજરાત, લક્ષદીપ, બિહાર, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા રાજ્યમાં દારૂબંધી છે.

ચોંકાવનારા આંકડા
છેલ્લા 2 વર્ષમાં 215,62,52,265 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, 4,33,78,162 રૂપિયાનો દેશી દારૂ, 16,20,05,849 રૂપિયાની બિયરની બોટલ પકડાણી છે અને આ આંકડા ડ્રાય સ્ટેટ ગુજરાતના છે.આ ગુનાઓમાં હજુ સુધી 4046 આરોપીઓની ધરપકડ બાકી છે. આ આંકડા ગુજરાત વિધાનસભામાં જાહેર કરવામાં આવેલા આંકડા છે. આ આંકડા જોતા એમ ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં દારૂ બંધી એટલે કે બ્લેક માર્કેટનો લીલો પરવાનો.

એક RTI અનુસાર રાજ્યમાં 2011-12 થી 2017-18 દરમિયાન કુલ 3.85 લાખ લિટર દારૂ વેચાયો હતો, જેમાંથી 3.65 લાખ લિટર દારૂ પરવાનાધારકોને વેચવામાં આવ્યો હતો. આ પરવાના ધારકોમાંથી માત્ર 52,000 પરમિટ ધારકો ગુજરાતી છે, જ્યારે 3.13 લાખ પરવાનગીઓ ગુજરાતથી બહાર આવેલા પ્રવાસીઓ તેમજ બિઝનેસ ડેલિગેટ્સને આપવામાં આવી હતી.પરવાનાની દુકાનમાંથી થતા દારૂના વેચાણમાં સુરત સૌથી આગળ છે જ્યારે તેના પછીના ક્રમે અમદાવાદ, વડોદરા અને કચ્છ આવે છે.

રાજ્યના 19.53 લાખ લોકો દારૂ પીવાના બંધાણી છે.આ ડ્રાય સ્ટેટ માટે વ્યંગ્યાત્મક છે. ગુજરાતની લગભગ 4.3 ટકા વસ્તી એટલે કે આશરે 19.53 લાખ લોકો દારૂના વ્યસની છે. ગુજરાતમાં 4.3 ટકા લોકો દારૂ પર નિર્ભર હતા, આ રાજસ્થાનના 2.3%, બિહારના 1% અને જમ્મુ-કાશ્મીરના 4% કરતા પણ વધારે છે. જો કે, રાષ્ટ્રીય સરેરાશ 17.1% છે. ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યોના સેવન માટે ઓપીડીમાં 2019-20ની સરખામણીમાં 2020-2021માં બે ગણો વધારો થયો છે

લોકડાઉન દરમિયાન અને બાદમાં ચિંતા તેમજ તણાવના કારણે દારુ પીનારાની સંખ્યા બમણી થઈ છે. 2019-20ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે ગુજરાતમાં દારુ પીવામાં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા ડબલ થઇ છે. ગુજરાતમાં 33,343 મહિલા અને 5,351 પુરુષોનો સર્વે કરાયો હતો. આ સર્વેમાં 200 સ્ત્રીઓ અને 310 પુરુષોએ દારુ પીવાનો સ્વીકાર કર્યો હતો. માત્ર અમદાવાદમાંથી સાડા ચાર વર્ષમાં ૧૨ હજારથી વધુ લોકોએ ‘તબિયત’ ના નામે પરમિટ માગી હોવાનું સામે આવ્યું છે

Leave feedback about this

  • Rating