આપણુ ગુજરાત

ગુજરાતમાં લમ્પી વાઇરસનો હાહાકાર, 1 હજારથી વધુ પશુઓના મોત, 40 હજાર પશુઓ સંક્રમિત

ગુજરાતમાં લમ્પી વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતના 15 જિલ્લાના 1 હજારથી વધુ ગામોના પશુઓ આ વાઇરસની ઝપટમાં આવી ગયા છે. રાજ્યમાં કુલ 40 હજારથી વધુ પશુઓ સંક્રમિત થયા છે અને 1 હજારથી વધુ પશુઓના મોત નીપજ્યાં છે. રાજ્યમાં આ વાઇરસની સૌથી વધુ અસર કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેખાઈ છે. ત્યારે લમ્પી વાઇરસને વધતો અટકાવવા માટે સરકાર એક્શનમાં આવી છે અને પશુઓનું રસીકરણ ઝડપી બનાવાયું છે.

2.94 લાખથી વધુ પશુઓમાં રસીકરણ
કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના સૌરાષ્ટ્ર – કચ્છના 15 જેટલા જિલ્લાઓમાં ગાય, બળદ જેવા પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝ નામના વાઇરસનો રોગ દેખાવા લાગ્યો છે. કચ્છ, જામનગરમાં આ રોગની વ્યાપક અસર જોવા મળી છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 1099 ગામોમાં અસરગ્રસ્ત 40222 જેટલા પશુઓની સારવાર કરવામાં આવી છે, 2.94 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યુ છે. 152 પશુ ચિકિત્સા અધિકારીઓ, 15 જિલ્લામાં 438 પશુધન નિરીક્ષકો સાથે સારવાર કરવામાં આવી રહી છે.

જામનગર કોંગ્રેસના આગેવાનો લમ્પી વાયરસને કારણે મૃત્યુ પામેલા પશુઓની અંતિમવિધિનું સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. જ્યાં 50 જેટલા પશુઓને એકીસાથે દફનવિધિ કરી, મીઠું ઓછું નાખવામાં આવતી હોવાની કોંગ્રેસે ફરિયાદ ઉઠાવી હતી. એટલું જ નહીં આ દુર્ગંધ આસપાસના ત્રણ જેટલા ગામો સુધી ફેલાતી હોવાથી લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ થતી હોવાની ફરિયાદ ઉઠી છે.

જામનગરમાં લમ્પી વાયરસને લઈને પશુઓનો મૃત્યુ આંક વધારે હોવાની ફરિયાદ સામે મ્યુનિ.કમિશનર જણાવ્યું હતું કે, હાલ જામનગરમાં 100 જેટલી ગાયોના લમ્પી વાયરસને કારણે મોત થયા છે અને લોકોની ફરિયાદને લઈને અંતિમવિધિ સ્થળે મીઠું તેમજ પાવડર વધુ નાખવા કર્મચારીઓને તાકીદ કરાઈ છે. એટલું જ નહીં પશુઓને ઝડપથી અને વધુમાં વધુ વેક્સીનેશન કરવા પણ તાકીદ કરી દેવામાં આવી છે.

Leave feedback about this

  • Rating