આપણુ ગુજરાત રાજનીતિ

પ્રતિબંધ હોવા છતાં દારૂનું વેચાણ કેવી રીતે થયું, અમે ફંડ માટે આવી ખરાબ રાજનીતિ કરતા નથી- અરવિંદ કેજરીવાલ

બોટાદ જિલ્લાના બરવાળામાં જે લઠ્ઠાકાંડ થયો એમા એકપછી એક લોકોનાં મૃત્યુ થઈ રહ્યા છે. આ મુદ્દે અરવિંદ કેજરીવાલે ભાવનગરની હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લીધી હતી. તમને જણાવી દઈએ કે અત્યારે મૃત્યુઆંક 36ને પાર પહોંચી ગયો છે તેવામાં કેટલાક ગંભીર દર્દીઓને સારવાર માટે સોમવારે મોડી રાત્રે બોટાદથી ભાવનગર સર.ટી.હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.

રાજનીતિ કરવા અહીં નથી આવ્યા- અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં ઝેરી દારૂ પીધા પછી સારવાર હેઠળ રહેલાં દર્દીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન લોકોએ કેજરીવાલને લઠ્ઠાકાંડ અંગે વિગતવાર માહિતી આપી હતી. ત્યારપછી મીડિયા સાથેની વાતચીત દરમિયાન કેજરીવાલે કહ્યું કે હું અહીંયા કોઈ રાજનીતિ કરવા નથી આવ્યો, આ તમામ લોકો પ્રત્યે મારી સંવેદના છે. મૃત્યુઆંક વિશે જાણ થતા જ મને ઘણો આઘાત લાગ્યો અને દુઃખ થયું છે. ત્યારપછી કેજરીવાલે મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

દર્દીઓએ દારૂ પીધા પછીની સ્થિતિ વર્ણવી…
અરવિંદ કેજરીવાલે વધુમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં નશાબંધી હોવા છતાં આવી રીતે દારૂનું વેચાણ કેવી રીતે થઈ શકે! કેજરીવાલે દર્દીઓની મુલાકાત લીધી પછી જણાવ્યું કે અંદર દાખલ તમામ દર્દી ગરીબ પરિવારથી છે. તેમણે જણાવ્યું કે પહેલાં આ લોકોએ દારૂ પીધો અને પછી અચાનક તમ્મર ચઢી ગયા તથા ઝાંખુ દેખાવા લાગ્યું હતું. આ દરમિયાન દાખલ દર્દીઓએ એમ પણ કહ્યું કે ગામડામાં સામાન્ય વસ્તુ વેચાય એવી રીતે દારૂના વેપારીઓ દેશી દારૂને વેચતા હતા. અહીં પ્રતિબંધ હોવા છતાં દારૂ ખરીદવો સૌથી સરળ છે એ જાણીને આશ્ચર્ય થાય છે.

ગેરકાયદેસર દારૂ વેચી ફંડ નથી એકઠું કરતા- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અમે એવી સરકાર નથી કે જે લોકોના જીવન સાથે રમત રમે. દારૂ માફિયાને બચાવવા પાછળ કોનો હાથ હશે એની અમને જાણ નથી પરંતુ આવી રીતે ગેરકાયદેસર દારૂ વેચી અમે ફંડ એકઠું કરીએ એવા નથી.

Leave feedback about this

  • Rating